જીએલએફ શું છે

આપનું સ્વાગત છે
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં
ગુજરાતી સાહિત્ય મહોત્સવ એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત સૌથી મોટો સાહિત્યિક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સાહિત્યકારો અને યુવા લેખકોને એક મંચ પર આવે છે. આ મહોત્સવમાં યોજાતા વિવિધ સત્રોના વિષયો ક્લાસ્સીકલ સાહિત્યથી લઈને યુવા લેખકો દ્વારા કરતા નવા યુગના પ્રયોગો સુધીના છે.
વાંચન અને લેખનને પ્રોત્સાહન; ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જનને વેગ મળે એ GLFનું મુખ્ય ધ્યેય છે.

1350
+
Speakers

650
+
Events
ઝુંબેશ
વૈશ્વિકીકરણના દૌરમાં આપણી ભાષાકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક ઓળખને વધુને વધુ બચાવવા અને તેનું સંવર્ધન કરવા માટેની ઝુંબેશ GLF ચલાવે છે. મુક્ત વિચાર અને મુક્ત અભિવ્યક્તિ એ જુસ્સાવાન સમાજ અને જીવંત લોકશાહીના આધારસ્તંભ છે. યુવાનોમાં વાંચન, લેખન અને તર્કસંગત વિચાર કરવાની વૃત્તિને પુનર્જીવિત કરવાનો GLFનો ઉદ્દેશ્ય છે.


ઉત્સવ
અમદાવાદમાં દર વર્ષે, સામાન્ય રીતે શિયાળામાં યોજાતો, પાંચ દિવસનો સાહિત્યિક ઉત્સવ છે. તે ભાષા, શૈલી અને વિચારધારાના પક્ષપાત વગરનો મંચ સહુને પૂરો પાડે છે. કોઈપણ પૂર્વગ્રહથી મુક્ત GLF બધાનું સ્વાગત કરે છે.
વૈવિધ્યસભર
ભાષા, સાહિત્યના પ્રકારો અને સંસ્કૃતિઓની વિવિધતાથી વાચકો તેમજ સર્જકો સમક્ષ અભિવ્યક્તિના નવાં અને વૈવિધ્યસભર સ્વરૂપ ઉજાગર થાય છે. અહીં સર્જનાત્મકતા સબંધિત રસપ્રદ ચર્ચાઓ અને પ્રયોગો જોવા મળે છે.


બહુભાષી
ભારત અને અંગ્રેજીના પ્રભુત્વવાળા દેશોમાં મોટાભાગના લિટ-ફેસ્ટ્સ એકંદરે અંગ્રેજી લેખકો અને તેમની નવીનતમ્ કૃતિઓ પૂરતા સીમિત રહેતા હોય છે. અમે અલગ ચીલો ચાતરીને ગુજરાતમાં, ગુજરાતી ભાષા અને સાહિત્યના વાંચકો સાહિત્ય સાથે કેવી રીતે જોડાય તે અંગે નવતર પ્રયોગો કર્યાં છે. અમે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, રાજસ્થાની, મલયાલમ, બંગાળી અને સિંધી જેવી ભાષાઓમાં પણ કાર્યક્રમો યોજયા છે.
સહુનો સમાવેશ
ઉત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક છે. દર્શક-શ્રોતાઓ GLFના એકથી વધુ સત્રોમાં સરેરાશ આઠ કલાક જેટલો સમય વિતાવતા હોય છે. GLF માત્ર પુસ્તક લેખકો પૂરતું મર્યાદિત નથી. તેમાં કવિઓ, નાટ્યલેખકો, પટકથા લેખકો, સોશિયલ મીડિયા અને બ્લોગ લેખકો, કથન-શ્રવણ પરંપરામાં સાહિત્ય સર્જકો તેમજ અન્ય ઘણા સર્જકો તેમાં ભાગ લે છે.આમ, જીએલએફને ટેકો આપનાર સ્પોન્સર્સની સ્ટેજ અને બૅનર પર મુકાતી જાહેરાત પ્રત્યે પણ દર્શક-શ્રોતાગણોનું ધ્યાન લાંબા સમય સુધી રહે છે.


વૈશ્વિક
GLF એ એક સમાવિષ્ટ પ્રસંગ છે, જેમાં અમે વિદેશી લેખકોને પણ આમંત્રણ આપી તેમની વૈશ્વિક સાહિત્યિક કૃતિઓ રજૂ કરી છે. ગુજરાતી અને ભારતીય સાહિત્યનો વિશ્વમાં પ્રચાર-પ્રસાર કરતી વખતે વિવિધ સંસ્કૃતિઓ અને તેમના સાહિત્યને સમજવું એ પણ આ ઝુંબેશનું ધ્યેય છે.
યુવા
જીએલએફનુંં લક્ષ્ય યુવાનો છે. તેનું વાતાવરણ, કાર્યક્રમનું આયોજન અને પ્રસ્તુતિ યુવા અને તરુણ વર્ગોને આકર્ષે તેવી રીતે કરાય છે.


નવીન
અમે સાહિત્યને મસ્ત, મનોરંજક અને આકર્ષક અંદાજમાં રજૂ કરીએ છીએ. દર વર્ષે ઉત્સવમાં નવીનતાઓ જોવા મળે છે.
માન અને માનવેતન
લેખન એ નાણાકીય રીતે લાભદાયી હોય તો જ યુવાનો માટે એ કારકિર્દીનો એક આકર્ષક વિકલ્પ બની શકે છે. નવા લેખકો માટે, GLF એ વ્યવસાયિક રીતે લાભદાયી પ્રસંગ તરીકે ઉભરી આવ્યો છે. અમે અમારા તમામ ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોમાં ભાગ લેવા આમંત્રિત કરાતા વક્તાઓને નિર્ધારિત માનદ્દ વેતન પણ આપીએ છીએ. સર્જનાત્મક ક્ષેત્રમાં પ્રવ્રુત લોકોનું ગૌરવ જળવાય તે અમારા માટે ખૂબ મહત્ત્વનું છે.


ભાગીદારી
ભારતીય ફિલ્મ લેખકોની સર્વોચ્ચ સંસ્થા - સ્ક્રિનરાઇટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (SWA)એ GLF સાથે ભાગીદારી કરી છે. કોઈપણ લિટ-ફેસ્ટ સાથે આ તેમની પ્રથમ ભાગીદારી છે અને એમની મદદથી બોલિવૂડની નવી ફિલ્મો અને સિરીઝ લેખકોની ખાસ હાજરીનો લાભ મળે છે.
સહભાગી
આ લિટફેસ્ટના મોટાભાગના સેશન્સમાં લગભગ 20 થી 35% જેટલો સમય પ્રેક્ષકોની સાથે વિચારોના આદાનપ્રદાન માટે અબાધિત રહે છે.


નફો
સાહિત્યસર્જનની પ્રવૃત્તિ લેખકો માટે આર્થિક રીતે નફાકારક હોવી જરૂરી છે. પરંતુ, આ ધ્યેયને મૂર્તિમંત કરવા કટિબદ્ધ એવો GLF એ નફો મેળવવા માટે થતી વ્યાવસાયિક પ્રવૃત્તિ નથી. સમાજમાં પરિવર્તન લાવવા માટેની એક પ્રવૃત્તિ છે. જીએલએફના ઉદેશ અને પ્રવૃત્તિમાં વિશ્વાસ ધરાવતા લોકો પાસેથી આર્થિક સહયોગ મેળવી, આયોજકો ઘણીવાર ખુદના પૈસા ખર્ચીને પણ આ કાર્યક્રમનું આયોજન કરે છે. GLF માને છે કે તેની પ્રવૃત્તિઓ લાંબો સમય ચાલી શકે અને સમાજમાં તેની અસર જોવા મળે તે માટે સમાજમાંથી સહુનો આર્થિક ટેકો તેને મળી રહે એ અનિવાર્ય છે. આપનો ટેકો આપવા અમારો સંપર્ક કરવા વિનંતી.